રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ હેઠળ NFSA કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩
યોજનાનો ઉદ્દેશ / હેતુ
માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્ચિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી અને તેની સાથે જોડાયેલ બાબતો.
રાજય સરકારે ૧લી એપ્રિલ, ૨૦૧૬ થી સમગ્ર રાજયમાં આ કાયદાનો શુભારંભ કરેલ છે. આ કાયદામાં બે પ્રકારના લાભાર્થીઓને લાભ મળે છે.
(અ) “અંત્યોદય અન્ન યોજના” હેઠળના તમામ કાર્ડધારકો. (Antyodaya Ann Yojana-AAY)
(બ) “અગ્રતા ધરાવતા કુટુંબો”(Priority Households- PHH)
(PHH = BPL + APL-1 + APL-2)
ફોર્મ ડાઉનલોડ માટેની લિન્ક
ગ્રામ્ય વિસ્તાર માટેનું ફોર્મ
શહેરી વિસ્તાર માટેનું ફોર્મ
આવક મર્યાદા
ગ્રામ્ય વિસ્તાર માટે –
(Exclusion)જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક રૂ.૧૫,૦૦૦/- થી વધુ આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૮૦,૦૦૦/- થી વધુ હોય તો તેને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે.
શહેરી વિસ્તાર –
(Inclusion)જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક રૂ. ૧૫૦૦૦/- થી ઓછી આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક રૂ.૧,૮૦,૦૦૦/- થી ઓછી હોય તો તેને અન્ન સુરક્ષા માટે આવરવાના રહેશે.
પાત્રતાના ધોરણો
A) “અંત્યોદય અન્ન યોજના” હેઠળ રેશનકાર્ડ મેળવવા માટેની પાત્રતાના ધોરણો
અન્ન, ના,પુ. અને ગ્રા.બા. વિભાગના તા.૧૯/૦૫/૨૦૧૪ના પત્રની સુચના મુજબ નીચે દર્શાવેલ કેટેગરીના વ્યકિત/લોકો/જુથો જો બીપીએલ રેશનકાર્ડ ધારણ કરતા હોય અથવા ન ધરાવતા હોય પણ નીચે દર્શાવેલ કેટેગરીમાં આવતા હોય.
1) કુટુંબના વડા કે જેઓ વિધવા અથવા બિમાર વ્યક્તિઓ કે અશક્ત વ્યક્તિઓ કે ૬૦ વર્ષની ઉઁમરની વ્યક્તિઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા સામાજિક આધાર ન હોય
2) વિધવાઓ અથવા બિમાર વ્યક્તિઓ અથવા અશક્ત વ્યક્તિઓ અથવા ૬૦ વર્ષની ઉમર કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલ પુરૂષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઈ સાધન ન હોય.
3) તમામ આધિમ જૂથો હેઠળના કુટુંબો (Primitive Groups)
વધુમાં, નીચે દર્શાવેલ કેટેગરીના વ્યક્તિ/લોકો/જૂથની અંત્યોદય અન્ન યોજનાનું રેશનકાર્ડ આપવાનું રહેશે. પરંતુ તેમનું નામ બીપીએલ યાદીમાં (૦ થી ૧૬ આંક ધરાવતા) હોવું જરૂરી છે અથવા તેઓ બીપીએલ રેશનકાર્ડ ધારણ કરતા હોવા જોઈએ.
- જમીન વિહોણા ખેત મજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનાર, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિક ધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે, માલ સમાન ઉંચકનાર કુલી, રીક્ષા ચાલક, હાથલારી ચાલવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો.
- બીપીએલ કાર્ડધારક એચ.આઇ.વી. ગ્રસ્ત વ્યક્તિ
- બીપીએલ કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્ત
નોંધ:- અન્ન, ના,પુ. અને ગ્રા.બા. વિભાગના તા.૧૫/૦૬/૨૦૧૬ના પત્રથી અશકત વ્યક્તિઓને અંત્યોદય રેશનકાર્ડ આપતી વખતે અશક્તતાની ટકાવારી બાબતે નીચે મુજબ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
“અસ્થિવિષયક, માનસિક પડકારિતા, દષ્ટિ વિષયક, મૂકબધિર અને સેરેબ્રલ પાલ્સી સહિત ૪૦% કે તેથી વધુ કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને “વિકલાંગ” (દિવ્યાંગ) તરીકેના લાભો મળવાપાત્ર હોવાથી અંત્યોદય અન્ન યોજના હેઠળ અશક્ત વ્યક્તિઓને અંત્યોદય રેશનકાર્ડ આપતી વખતે આ ધોરણ અનુસરવાનું રહેશે.
(B) બી.પી.એલ. રેશનકાર્ડ મેળવવા માટેની પાત્રતાના ધોરણો
- બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતાં લાભાર્થીઓને બી.પી.એલ.રેશનકાર્ડ મળવાપાત્ર છે.
- યાદી પૈકીના ૦ થી ૧૬ ગુણાંક ધરાવતાં કુટુંબ માટે આવક ચકાસણી કરવાની રહેશે નહી.
- ઉપરના (૧) મુજબની પાત્રતા ન ધરાવતાં અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ આવક શહેરી વિસ્તાર માટે રૂ. ૫૦૧/-થી ઓછી અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૩૨૪/-થી ઓછી હોય.
- કુટુંબની આવકને પ્રમાણિત કરવા માટે સંબંધિત મામલતદારશ્રી અધિકૃત કરાયેલ છે.
પરંતુ હાલમાં, રાજ્યમાં ૧લી એપ્રિલ ૨૦૧૬ થી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ લાગુ કરવામાં આવતા બી.પી.એલ., એ.પી.એલ.-1, એ.પી.એલ.-2 રેશનકાર્ડ કેટેગરીને જો તેઓ “અગ્રતા ધરાવતા કુટુંબોમાં” સમાવેશ કરવાની પાત્રતા ધરાવતા હોય તો તેઓને સીધી રીતે (અગ્રતા ધરાવતા કુટુંબો-PHH) કેટેગરી તરીકે ગણવામાં આવે છે.
(C) ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ‘અગ્રતા ધરાવતા કુટુંબો’ ની ઓળખ માટેના ધોરણો (Criteria) નીચે મુજબ છે.
ગ્રામ્ય વિસ્તારમાં “અગ્રતા ધરાવતા કુટુંબો” ની ઓળખ માટે :-
(અ) નીચે પૈકીની કોઈપણ એક અથવા વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે એટલે કે બાકાત (Exclude) રાખેલ કુટુંબો સિવાયના તમામ House Hold કે જે SECC-2011 માં છે તેમને “અગ્રતા ધરાવતા કુટુંબ” તરીકે માન્ય કરવાના રહેશે
(૧) જે કુટુંબ યાંત્રિક રીતે ચાલતું ૪ પૈડાનું વાહન કે યાંત્રિક માછીમારીની બોટ ધારણકરતું હોય,
(૨) જે કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી કર્મચારી હોય સિવાય કે સરકારી કચેરીમાં આઉટસોર્સીંગથી કામગીરી કરતા પટાવાળા, સ્વીપર, માળી, ચોકીદાર વગેરે વર્ગ-૪ના કર્મચારી
(૩) જે કુટુંબનો કોઇપણ સભ્ય માસિક રૂ. ૧૫,૦૦૦ થી વધુ આવક ધરાવતો હોય,
(૪) જે કુટુંબનો કોઇપણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચુકવતો હોય,
(૫) જે કુટુંબ ૫ એકર કે તેથી વધુ, બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતી પિયતવાળી જમીન ધારણ કરતું હોય,
(૬) જે કુટુંબ ૭.૫ એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતું હોય,
(બ) અન્ન સુરક્ષા માટે સમાવવાનું ધોરણ (Inclusion criteria) :
જે કુટુંબના પુખ્તવયના તમામ કમાતા સભ્યો અશક્ત હોય, ગંભીર રીતે બીમાર હોય કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય, તે કુટુબંને સમાવવાના (Inclusion કરવાના) રહેશે, ભલે પછી તે કુટુબં ઉપરોક્ત (અ) પૈકીના કોઈપણ ધોરણને લીધે “બાકાત” રાખવા પાત્ર હોય. શહેરી વિસ્તારમાં “અગ્રતા ધરાવતા કુટુંબો”ની ઓળખ માટે:-
નીચેની કોઈપણ એક બાબતની વંચિતતા/ અરક્ષિતતા ધારણ કરતાં કુટુંબને અન્ન સુરક્ષા માટે આવરવાના (Inclusion કરવાના) રહેશે, (અ) આવાસીય અરક્ષિતતા.
(૧) જે કુટુંબ ઘર/મકાન વિહોણું હોય,
(૨) જે કુટુંબ પ્લાસ્ટીક કે પોલીથીનની દિવાલ અને છાપરાવાળું મકાન/ધર ધરાવતું હોય,
(૩) જે કુટુંબ ધાસફુશ, વાંસ, છાણ, કાચી ઇંટ કે લાકડાની દિવાલ અને ઘાસફુશ, વાંસ, છાણ કે લાકડાની છતવાળુ એક ઓરડો કે તેથી ઓછુ મકાન/ઘર ધારણ કરતું હોય, (બ) વ્યવસાયિક અરક્ષિતતા.
(૪) જે કુટુંબ કોઇ પણ સ્ત્રોતમાંથી આવક ધરાવતુ ન હોય,
(૫) જે કુટુબનો કોઇપણ સભ્ય (બાળક સહિત) ભીખારી, કચરો ઉપાડનાર, ઘરકામ કરનાર (જેઓને ખરેખર વળતર ચૂકવામાં આવતુ હોય) અને સફાઇ કામદાર/કચરો વાળનાર કે માળી તરીકેના કામમાં હોય.
(૬) જે કુટુંબના પુખ્તવયના બધા કમાતા સભ્યો રોજમદાર હોય કે અનિયમિત વળતરમેળવતા હોય.
(૭) ત્રણ પૈંડાવાળા યાંત્રિક વાહન ધરાવતા (ઓટોરીક્ષા/છકડો/મીની ટેમ્પો) વાહનચાલકોનો સમાવેશ કરવો(માસિક રૂા.૧૫,૦૦૦/- થી ઓછી આવક ધરાવતા હોય તેવા) (ક) સામાજિક અરક્ષિતતા.
(૮) જે કુટુંબના વડા તરીકે સગીર વ્યક્તિ હોય, એટલે કે કુટુંબના કોઇપણ સભ્ય ૧૮વર્ષ કે તેથી વધુ ઉંમરના ન હોય,
(૯) જે કુટુંબમાં ૧૮ થી ૬૦ વર્ષની ઉંમર ધારણ કરતાં કોઇપણ વ્યક્તિ સશકત ન હોય, એટલે કે કુટુંબમાં ૧૮ થી ૬૦ વર્ષના તમામ સભ્યો અશકતતા ધરાવતા હોય કે ગંભીર રીતે બીમાર હોય,
(૧૦) જે કુટુંબના પુખ્તવયના તમામ કમાતા સભ્યો અશકત હોય, ગંભીર રીતે બીમારહોય કે ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોય,
જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક રૂ. ૧૫૦૦૦/- થી ઓછી આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક રૂ.૧,૮૦,૦૦૦/- થી ઓછી હોય તો તેને અન્ન સુરક્ષા માટે આવરવાના રહેશે.
૩. વધુમાં, ઉપરોકત ધોરણો સિવાય ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નીચે મુજબના વ્યક્તિઓનો પણ લાભાર્થી તરીકે સમાવેશ કરવાનો રહેશે.
૩.૧ સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના નિયામકશ્રી, સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ દિવ્યાંગ લાભાર્થીઓ તથા આ જ પ્રકારે જે દિવ્યાંગ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહે છે તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત NFSA કાર્ડ આપવાના રહેશે. દિવ્યાંગ લાભાર્થીઓ વતી અનાજ (ઘઉં, ચોખા) નિયમોનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડીયન / વાલી તરીકે નીમી શકાશે.
૩.૨ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામકશ્રી, સમાજ સુરક્ષા હેઠળ નોંધાયેલ વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થી તથા આ જ પ્રકારે જે વૃદ્ધ વ્યક્તિઓ સરકારશ્રીના નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ ખાતે રહેતા હોય તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત NFSA કાર્ડ આપવાના રહેશે. વૃદ્ધ લાભાર્થીઓ વતી અનાજ (ઘઉં, ચોખા) નિયમોનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડીયન / વાલી તરીકે નીમી શકાશે.
૩.૩ સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલ જે ગંગાસ્વરૂપ બહેનો (વિધવા બહેનો) પેન્શન મેળવે છે તેવી બહેનોને તથા જે વિધવા બહેનો સરકાર માન્ય સંસ્થાઓ ખાતે રહેતા તેમને આ કાયદા અંતર્ગત વ્યક્તિગત NFSA કાર્ડ આપવાના રહેશે. ગંગાસ્વરૂપ બહેનો (વિધવા બહેનો) લાભાર્થીઓ વતી અનાજ (ઘઉં, ચોખા) નિયમોનુસાર મેળવવા માટે સરકાર માન્ય સંસ્થાના સંચાલકશ્રીને લાભાર્થીઓ વતી ગાર્ડીયન / વાલી તરીકે નીમી શકાશે.
૩.૪ સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ” હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમયોગીનો સમાવેશ કરવો.
યોજના અંતર્ગત મળતી સહાય
- અંત્યોદય અન્ન યોજનાના કુંટુબોને દર માસે કાર્ડ દીઠ કુલ ૩૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવે છે,
- “અગ્રતા ધરાવતા કુટુંબો” ના સભ્યોને દર માસે વ્યક્તિ દીઠ કુલ ૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવે છે,
- ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબોને જાન્યુઆરી ૨૦૨૪ થી ડીસેમ્બર ૨૦૨૮ સુધી વિના મૂલ્યે અનાજ વિતરણ થનાર છે.
અરજીની પ્રક્રિયા
.
અરજદાર બે રીતે અરજી કરી શકે છે.
(૧) ગ્રામ્ય સ્તરે e-ગ્રામ કેન્દ્ર અથવા તાલુકાના જનસેવા કેન્દ્ર પરથી અરજી કરી શકશે.
(૨) Digital Gujarat Portal અથવા Digital SevaSetu Portal પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
અમલીકરણ કરતી કચેરી/સંપર્ક અધિકારી
તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારશ્રી (પુરવઠા શાખા) અને શહેરી વિસ્તાર માટે ઝોનલ અધિકારીશ્રી
યાદી જોવા અહી ક્લિક કરો
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા
૧.કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ આપવાની રહેશે.
૨. રહેણાંકના પુરાવાની નકલ
ક. માલિકીના કિસ્સામાં આકારણીપત્રક/મિલકત વેરાની પહોંચ/પ્રોપર્ટી કાર્ડ/લાઈટ બીલ પૈકી ગમે તે એકની અદ્યતન નકલ રજુ કરવી.
ખ. ભાડાના કિસ્સામાં ભાડા કરાર અથવા ભાડા પહોંચ સાથે મકાન માલિકની સંમતિ બન્ને પૈકી કોઈ એકની અદ્યતન નકલ રજુ કરવી.
૩. ચૂંટણી ઓળખકાર્ડની નકલ આપવી સ્વૈચ્છિક છે.
૪. કુટુંબના કોઈપણ એક સભ્યના મોબાઈલ નંબર અને વરિષ્ઠ મહિલા/મુખ્ય વ્યક્તિના બેંકની પાસબુકના પહેલા પાનાની નકલ આપવી. જેમાં ખાતાનંબર, IFSC નંબર આવી જાય.