આવકવેરા ( IncomeTax) તરફથી શું તમને પણ આવ્યો છે TDS રીફંડ અંગેનો મેસેજ તો ચેતજો
ટેક્સ વિભાગે TDS રિફંડના કૌભાંડથી બચવાની આપી સલાહ
આવકવેરા રીફંડ અંગેના FAKE મેસેજથી ચેતી જવા કરદાતાઓને અનુરોધ
ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજને ફેક ગણાવ્યા
નવી દિલ્હી
આવકવેરાનું રીટર્ન ITR ફાઈલ કર્યા પછી રીફંડની રાહ જોઈ રહેલા કરદાતાઓ સાથે છેતરપિંડી થઇ રહી હોવાનું ધ્યાનમાં આવતા આવકવેરા વિભાગે એક સલાહ જાહેર કરી છે અને ફેક મેસેજથી બચવા અનુરોધ કર્યો છે.ટેક્સ વિભાગે મોબાઇલ ફોન પર આવનારા ટેક્સ રિફંડના એપ્રુવલના મેસેજથી બચવાની સલાહ આપી હતી.આવકવેરા વિભાગે તેને એક કૌભાંડ ગણાવ્યું છે.
આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને કરદાતાઓને નકલી પોપ-અપ મેસેજનો શિકાર ન બનવાની સલાહ આપી છે. તેને સ્કેમ એલર્ટ (Scam Alert) ગણાવતા વિભાગે કહ્યું કે આવકવેરા વિભાગ ક્યારેય પોપ-અપ વિન્ડો દ્વારા કરદાતાઓનો સંપર્ક કરતું નથી. વિભાગે કરદાતાઓને કહ્યું છે કે જો તેઓને તેમના મોબાઈલ ફોન પર આવા શંકાસ્પદ પોપ-અપ મેસેજ મળે છે, તો તેઓએ તરત જ તેને બંધ કરી દેવો જોઈએ.આ ઉપરાંત,આવા મેસેજ મળવા પર, “http://incometaxindia.gov.in/pages/report-phishing.aspx” પર જાવ અને તેના વિશે ફરિયાદ કરો. ટેક્સ વિભાગે કરદાતાઓ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. કરદાતાઓ 18001030025/18004190025 પર જઈને આવા POPUP મેસેજ સામે તેમની ફરિયાદ પણ નોંધાવી શકે છે.
આવકવેરા વિભાગને એવી ફરિયાદો મળી છે કે કરદાતાઓને ટેક્સ રિફંડની મંજૂરી માટે લલચાવતા પોપ-અપ મેસેજ મળી રહ્યા છે. આવા મેસેજમાં લખેલું હશે કે તમારું 15,000 રુંપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર થઈ ગયું છે અને આ રકમ તમારા ખાતામાં જલ્દી જમા થઈ જશે.મેસેજમાં એક એકાઉન્ટ નંબર લખવામાં આવે છે જેને વેરિફાઈ કરવાનું કહેવામાં આવે છે. અને જો આ એકાઉન્ટ નંબર સાચો ન હોય તો તમને એક લિંક પર જઈને બેંક ખાતાની વિગતો અપડેટ કરવાનું કહેવામાં આવે છે. અને આ તે છે જ્યાં કરદાતાઓ સાથે મોટી છેતરપિંડી થાય છે. કોઈ વ્યક્તિ આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેનો ફોન હેક થઈ જાય છે અને બધા ડેટા હેકર હેક કરી લે છે અને તેના એકાઉન્ટમાંથી તમામ પૈસા સાયબર ફ્રોડ દ્વારા ઉપાડી લેવામાં આવે છે.
આઈ-ટી વિભાગે કરદાતાઓને પણ કહ્યું છે કે તેઓ અસલી અને બનાવટી વચ્ચેનો તફાવત જાણે અને તેમની કરની માહિતી ફક્ત આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જ દાખલ કરે.
આવકવેરા વિભાગે આ કૌભાંડ કે છેતરપિંડીને જોવા માટે 5 મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે:
- રિફંડનું વચન આપતા અજાણ્યા લોકોના સંદેશાઓ અથવા ફોનનો ક્યારેય જવાબ આપશો નહીં
- આવકવેરા વિભાગના હોવાનો દાવો કરતા અનવેરિફાઇડ સ્રોતો પર ક્યારેય વિશ્વાસ કરશો નહીં
- ઓટીપી,બેંક એકાઉન્ટ ડીટેલ,પાનકાર્ડ અને આધારકાર્ડની વિગતો જેવી વ્યક્તિગત વિગતો ક્યારેય શેર કરશો નહીં
- આવકવેરા વિભાગ સાથે લિંક હોવાનો દાવો કરતી અનવેરિફાઇડ લિંક પર ક્યારેય ક્લિક ન કરો
- માત્ર સત્તાવાર વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ દ્વારા જ તમારો આવકવેરો ઈ-પેમેન્ટ કરો
એક વખત આવકવેરા રિટર્ન (ITR) પર પ્રક્રિયા થઈ જાય પછી, સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) 40 થી 120 દિવસની અંદર તમારા ટેક્સ રિફંડ પર પ્રક્રિયા કરવાનો પ્રયાસ કરે છે.તકનીકી પ્રગતિ સાથે, રિફંડ માટેના સરેરાશ પ્રોસેસિંગ સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે તેને ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવે છે. જો કે,એ નોંધવું જરૂરી છે કે રિફંડ પ્રાપ્ત કરવાની સમયરેખા વ્યક્તિગત કિસ્સાઓ અને સંજોગોના આધારે બદલાઈ શકે છે.
આ જ કારણ છે કે આવકવેરા વિભાગે કરદાતાઓને સલાહ આપી છે કે તેઓ આવા મેસેજનો શિકાર ન બને અને મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરે.